Friday, October 09, 2009

જીવવું ભારે પડ્યું

કોમળ ઋજુ ત્વચા લઈ જીવવું ભારે પડ્યું,
હર પળ દિલની રજા લઈ જીવવું ભારે પડ્યું

એક પળ માટે અસહ્ય હતું જે વાતાવરણ,
કાયમ તેની હવા લઈ જીવવું ભારે પડ્યું.

એક પછી એક બધાં ફાટતાં જ રહ્યા,
આ સ્વપ્નો ના ટેભા લઈ જીવવું ભારે પડ્યું.

બે ચાર કૂમળાં સ્વપ્નો ને ધરબી દેવા સબબ,
સજા માં શૂન્યતા લઈ જીવવું ભારે પડ્યું.

વિનોદ નગદિયા (આનંદ)

Tuesday, October 06, 2009

USEFUL LINKS


Tuesday, November 18, 2008

ક્યાંક આંખોમાં ક્યાંક અક્ષરમાં,
હું એમ વંચાઉ છું ઘરઘરમાં.

વિનોદ નગદિયા-આનંદ
આ ક્ષણનો વિલંબ મને ખટકે,
પાંપણનો વિલંબ મને ખટકે.

વારતાનો અંત,અશ્રુ ની હેલી ને તારી ટપાલ,
આ ત્રણનો વિલંબ મને ખટકે.

વિનોદ નગદિયા-આનંદ

હતી

આંધળી શ્રધ્ધા હતી,
બંધ કઇ દિશા હતી.

આંખને રડવું હતું,
આપણી ક્યાં ના હતી.

ટેરવાં ધ્રુજી ઊઠ્યાં,
સ્પર્શ ની રજા હતી.

બારીએ બેસવાની પણ,
એક અવસ્થા હતી.

સારથિ ની વેદના,
શંખ ની ફૂંકમાં હતી.

વિનોદ નગદિયા-આનંદ

Friday, November 14, 2008

આજ અરીસા એ મારૂં આઇ કાર્ડ માગ્યું,
અને હું શોધવા બેઠો છું મારા ચહેરાને.

વિનોદ નગદિયા- આનંદ
અફસોસ તારી આંખને હું ભુલી શક્યો નહીં,
નહીંતર મને પણ રણ વિષે ક્યાં બહુ ખબર હતી.

વિનોદ નગદિયા- આનંદ
વાંસના વન જો ડોલશે તો આગ લાગશે,
દિલના બળેલા જો બોલશે તો આગ લાગશે.

નીચી નઝરથી એ જુએ છે તોય શું શું થાય છે,
પાંપણ ઉપર જો તોલશે તો આગ લાગશે.

વિનોદ નગદિયા- આનંદ
પૂર મારી આંખની નદીઓમાં આવ્યા છે સખત્,
ક્યાંક ઉપરવાસ ખૂબ વરસાદ પડ્યો હશે.

બારીનું ઉઘડવું ના હોય સાવ એમજ,
સ્વપ્નમાં જાણીતો કોઇ સાદ પાડ્યો હશે.

વિનોદ નગદિયા- આનંદ

Tuesday, November 11, 2008

સાવ લીલ પાંદડા ની વાત છે,
પાનખર ની કાલ એને ઘાત છે.

પાન ખેંચો ને તૂટે છે ડાળખી,
સગપણ તો સરગવા ની જાત છે.

વિનોદ નગદિયા-આનંદ

ગઝલ

થાકેલી યાદનો પડાવ ગઝલ,
લોહીનો કળતરિયો તાવ ગઝલ.

ક્ષણોનો રેશમી બહાવ ગઝલ,
શ્વાસોનો છુટતો લગાવ ગઝલ.

સ્પર્શના ઘાવોનો રૂઝાવ ગઝલ,
નાડીનો નશીલો તણાવ ગઝલ.

વિનોદ નગદિયા-આનંદ

Sunday, November 09, 2008

વારતા

એક ડૂસકાં નો પુરસ્કાર પામી વારતા,
મેં ગણી જેને હતી સાવ નકામી વારતા.

જે હતા શસ્ત્રો બધા ખલાસ થઇ ગયા,
છેવટે મેં ગરીબી સામે ઊગામી વારતા.

જે ખુદ જિંદગીમાં એક વારતા બની ગયા.
મેં તો ધરી એને પણ દીધી સામી વારતા.

લો ઝરૂખાઓ અમારાય સૂના થઇ ગયા,
લો અમારીય બારીએ હવે જામી વારતા.

વિનોદ નગદિયા-આનંદ

Friday, November 07, 2008

મરણને

રણમાં રહીને પણ કદિ ઓળખી શક્યો ન રણને,
છે ઝાંઝવા ચારે તરફ તોય પાળ્યું મેં હરણને.

નહિતો ઓળખાશે નહિ ચહેરા સિતારા સમ,
કે,આવે કાળી રાત થઇ કહેજો એના સ્મરણને.

ખરતો સિતારો જોઇને દિલ ધડકી ગયું મારૂં,
વાગી તો નહીં હોય સ્વર્ગમાં ઠોકર એના ચરણ ને.

અંગત હતા એનેજ હતી રસ્તાની બધી ખબર,
કોણ આવ્યું મારા ઘર સુધી મુકી જવા મરણ ને.

વિનોદ નગદિયા-આનંદ

કુમાશ બેસે

પર્ણ કૂંપળમાં ધીમે લીલાશ બેસે,
એમ મારી આંખોમાં ભીનાશ બેસે.

એક ટહૂકો હોઠથી છુટ્ટો પડે અને,
અગાસીમાં આવીને આકાશ બેસે.

નિઃશ્વાસ તારા નામ નો જો નિકળે,
તો હ્રદયમાં જરા અવકાશ બેસે.

કમળ સમી અલિપ્તતા કેળવી શકો,
તો તમારાય ચહેરા પર હળવાશ બેસે.

સ્પર્શ લીલો છોડ થઇ ને પાંગરે,
ટેરવાંમાં ક્યાંથી આ કુમાશ બેસે.

વિનોદ નગદિયા-આનંદ